ડાંગ : તા: ૩૧: ડાંગ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના સમગ્ર તાલુકાઓમાં કમોસમી વરસાદથી થયેલ પાકના નુકસાન અંગે રાહત સહાય આપવા માટે ગુજરાત વિધાનસભા નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને લેખિત અરજ કરી છે.
શ્રી વિજયભાઈ પટેલના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયકલોનિક સરકયુલેશનના કારણે સમ્રગ ડાંગ જિલ્લામાં તથા દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓમાં કમોસમી વરસાદ (માવઠા) થવાના કારણે થયેલા વરસાદને કારણે ડાંગર, કઠોળ તથા અન્ય પાકો તૈયાર થયેલ હતા. પરંતુ કમોસમી વરસાદના કારણે સંપૂર્ણપણે પાક પલળી જવાથી ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડયું છે.

ડાંગ તેમજ દક્ષિણ ગુજરાતના સમગ્ર વિસ્તારના મોટા ભાગના આદિવાસી ખેડૂતોનું મુખ્ય આજીવિકા સ્ત્રોત ડાંગર, કઠોળ તથા અન્ય પાક હોવાથી, આ નુકસાનથી ખેડૂતો આર્થિક સંકટમાં છે. જેથી કૃષિ અને ખેડુત કલ્યાણ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી, અસરગ્રસ્ત ખેડૂતોને થયેલ નુકસાનના આધારે યોગ્ય આર્થિક સહાય તથા રાહત પેકેજ જાહેર કરવામાં આવે, અને ખેડૂતોને વાસ્તવિક રાહત મળી રહે તે અંગે કાર્યવાહી કરવા શ્રી વિજયભાઈ પટેલ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં ભલામણ કરી છે.



